Searching...
Thursday 17 October 2013

વંદાના ત્રાસની વાર્તા

થોડા સમય પેહલાની વાત છે, કોઈક જગ્યાએ અમુક કાર્યને લીધે જવાનું થયું. સગા-સબંધીને ત્યાંથી કોઈક પ્રસંગ હતો. નજીકની સુંદર ગાર્ડન હોટલમાં જઈને બધા બેઠા હતા. એવામાં એક અત્યંત હાસ્યસ્પદ ઘટના બની. ક્યાંકથી એક વંદો આવી ચઢ્યો. નજીકમાં એક સારા ઘરની એવી લાગતી બે-ત્રણ સ્ત્રીઓ બેઠી હતી. વંદા ભાઈને તો જાણે હુમલો જ કરવો હતો. વંદો ઉડીને સીધો તે સ્ત્રીઓમાંથી એક પર જઈને બેસી ગયો. અને જાણે અચાનક ભૂકંપ આવ્યો. કોઈ હાથીને કાનમાં ભમરો ઘુસી જાય ને એ ગાંડો થઇ જાય; પણ બસ આનાથી પણ ખરાબ દશા આ સ્ત્રીની થઇ. આ સ્ત્રી જોરજોરથી ગર્જવા ને કુદવા લાગી... આટલા મોટા બુમ બરાડા સુણીને તો કદાચ કુમ્ભકર્ણ પણ જાગી ગયો હોત. એટલે વંદા ભાઈએ કુદકો માર્યો. બાજુમાં બેઠેલી બીજી સ્ત્રી પર જઈને બેઠો..... એ સ્ત્રીની હાલત પહેલી સ્ત્રી જેવીજ થઇ.
આજુ બાજુમાં બેઠેલા બધાનું ધ્યાન આ બાજુ આવ્યું, હોટલના મેનેજર આવેને વેઈટરને શંકામાં કશું કહે એવી બીકથી વેઈટર દોડતો આવ્યો. બિચારો આવીને ઉભોજ રહ્યો હતો. તેજ સમયે વેઈટર કશુંક સમજે કે બોલે એ પેહલાજ અચાનક પેલી બીજી બહેન પર આસન ગ્રહણ કરી ચુકેલો વંદો ઉડ્યો ને વેઈટરના ખભા પર જઈને બેઠો. 

બીજું કોઈક હોત તો કદાચ આ વંદાના દુસાહસથી ડરીને પોપ ડાન્સ કરવા લાગ્યું હોત.
પણ આ સમયે વેઈટર ધર્મ સંકટમાં હતો. એના હાથમાંનો સામાન હતો અને બીજી બાજુ વંદા વડે થતી પજવણી વચ્ચે આ ભાઈ ફસાયો. 
એક સન્યાસી જેવી અદાથી આ ભાઈ સ્થિર ઉભો રહી ગયો. કોઈક અચૂક નિશાનેબાજ ની જેમ પોતાના શર્રીર પર નિશાનો લગાવ્યો. ધ્યાનપૂર્વક સાંજના ઓછા પ્રકાશમાં પોતાના હાથ વડે શર્ટ પર પ્રવાસ કરી રહેલા વંદાને પકડ્યોને હોટલની દુર ફેંકી દિધો.

આ ઘટના પોતાની નજરે જોયા પછી કોફીનો ઘુંટડો ભરતા મનની એન્ટેના આ બાજુ ફરી. આટલો બધો ઝમેલો કદાચ ના થયો હોત જો આ બંનેએ વેઈટરની જેમ પોતાની જાતને સાંભળી હોત.
શું આ ધમાલ પાછળ એકલો આ વંદો જવાબદાર છે? જો એવું હોત તો વેઈટર કેમ શાંત રહીને તમાશાથી બચી ગયો?

હા કદાચ વ્યક્તિએ વ્યક્તિએ માનતા ને અભિપ્રાય બદલાતા હોય છે. પણ એક વાત તો છે કે નાનપણમાં સમજુ બકરીની વાર્તા આ ગૃહિણીઓએ કદાચ જીવનમાં નથી ઉતારી. જે પોતાની રોજગારી એના હાથમાં રહેલા સામાન સાથે બચાવતા (કદાચ અભણ) વેઈટરએ બતાવી. આ જ બાબત પરથી વિચાર આવ્યો કે દરેક વ્યક્તિનાં મગજમાં કોઈક જગ્યાએ નાનકડો બાળક રહેતો હોય છે. કેટલાય લોકોને ગુસ્સામાં કે આવેશમાં માનસિક સમતુલન ખોઈ બેસતા જોશો.
આ ગુસ્સો કે આવેશ વ્યક્તિની બીક, આંતરિક ડર, ઈચ્છાઓ, કાર્ય કે મનસુબો પાર ન પાડવાનો ડર બતાવે છે. આવા વ્યક્તિઓ પોતાની જાતને સંભાળ લેવા સક્ષમ હોતા નથી. અને પોતાના ઈગો કે અભિમાનને હમેશા પ્રથમ મુકે છે. જલ્દી ખોટું લગાડે છે. બીજાની ઈર્ષ્યા કે ચાડી કરવામાં પણ એટલેજ પ્રથમ હોય છે. આવા લોકોનું અંતરમન કેટલું વિચલિત( DISTURB)હોય છે કે તેઓ વધારે લાંબુ કે તલસ્પર્શી વિચારી શકતા જ નથી.

આ બાબતને આપણે એ બાબત સાથે સરખાવી શકીએ કે કોઈક દિવસ માતા પિતા ગુસ્સે થયા હોય. ઓફિસમાં ઉપરી અધિકારી ગુસ્સે થયો હોય. આવા સમયે આંતરિક શાંતિ અત્યંત જરૂરી છે. રસ્તામાં આવતો ટ્રાફિક જામ તમને કદાચ એટલો હેરાન ન કરે પણ મનની અશાંતિ વ્યક્તિના વ્યક્તીત્વને જરૂર ધોઈ નાખે છે. ટ્રાફિક જામ વખતે થતો સામાન્ય ઝગડો કેટલીક વાર વરવું રૂપ ધારણ કરી લે એ આનું આદર્શ ઉદાહરણ છે. આજુ બાજુ બનતી ઘટનાઓ અને તે પ્રત્યે તમારી સભાનતા કેટલીકવાર તમને અલગ સ્થાન અપાવે છે. માટે કોઈ પણ પ્રશ્નો રૂપી અંધકારમાં વ્યક્તિનું સમાયોજન અગત્યની ભૂમિકા ભજવે છે. પણ કેટલાક વ્યક્તિઓ આ બાબતને સમજવા તૈયાર નથી હોતા. નાં એવું નથી કે આવું એકલા તમારી કે મારી સાથે નથી થતું. તમારો કે મારો સેલ્ફ ડીફેન્સ સીસ્ટમ આવી બાબત સ્વીકાર કરતો નથી. પણ જે સમયે સમજી જાય તે જ માંનવી મિત્રો. આવા સમયે કોઈ પણ વ્યક્તિની ભૂલો શોધવાની જગ્યાએ એનો ઉકેલ શું હશે તે વિચારનાર કદાચ ઓછા મળે તો તેમાં નવાઈ નહિ. પણ એ બાબત ખરેખર વિચાર માંગી લે છે કે હું અને તમે એમાંથી કઈ બાજુએ છે? 

છેલ્લી બાબત 

એક વાર એક પ્રોફેસરએ પ્રશ્ન કર્યો પાપ (શેતાન) ક્યાં છે?
એક વિદ્યાર્થી ઉભો થયો ને કહ્યું સાહેબ મારા પ્રશ્નો છે એનો જવાબ આપવામાં આપ મદદ કર્રો તો આ પ્રશ્નનો જવાબ તમને આપોઆપ મળશે.
પ્રોફેસરે હા કીધી, વિદ્યાર્થીએ પૂછ્યું સાહેબ ઠંડક આ પૃથ્વી પર ઉદભવે છે?
પ્રોફેસરે વિચારીને હા કીધી...... વિદ્યાર્થી બોલ્યો ના સાહેબ આ તો ગરમીનો અભાવ છે જેને કારણે ઠંડી ઉદભવે છે.
અંધકાર પણ પ્રકાશ ન હોવાની સ્થિતિ ને લીધે જ હોય છે. માટે જ પાપ ઉદભવતો નથી આ બસ વિશ્વાસ પ્રેમ અને ઈશ્વરમાં શ્રદ્ધાનો અભાવ છે.
આ વિદ્યાર્થી બીજા કોઈ નહિ પણ સી.વી રામન હતા.

વધારે હું એ બાબત ઉમેરવા માંગું છું કે કોઈ સંત નથી હોતું પણ તમે સારા વિચારોનું અદાન પ્રદાનના કરી શકો એ ખોટી બાબત છે. માટે સ્મિત સાથે મારા બ્લોગ પર સ્વયં ઘટના લખી રહ્યો છું તમે પણ આ રીતે મારા સાથે કોઈક સારા મંતવ્યો આપો એવી આશા સાથે આ પોસ્ટ મૂકી રહ્યો છું.

BY SMITH SOLACE

0 comments:

Post a Comment

Search This Blog

Subscribe via email