તમે કેમ આટલા ખુશ છો ? સાહેબ ?
ઘણા સમય પહેલાની વાત છે,
એક યુવાનના લગ્ન દુરના ગામનાં આમીરની દીકરી જોડે થઇ ગયા. આ યુવાન પણ સારા ઘરનો હતો
એટલે કે યુવાનનું ઘર પણ ગામમાં તવંગર લોકોમાં ગણાતું હતું. આ નવદંપતીના જીવનમાં
કોઈં રીતની તકલીફ નહોતી. થોડા સમયમાં યુવાન પોતાના પિતાનો ધંધો રોજગાર સમભાળતો થઇ
ગયો. બહુજ થોડા સમયમાં યુવાન નગરશેઠ બની ગયો. આ રીતે એ શેઠ અને એની પત્ની શેઠાણી
બની ગયા. બધુંજ સરસ ચાલતું હતું. થોડા સમય બાદ કોઈક કારણસર આ નગરશેઠનો ધંધો ખોટ
ખાવા લાગ્યો. થોડા સમયની અમીરી પછી પાછી ગરીબી આવવા લાગી. એક સમય એવો આવ્યો કે આ
શેઠને થયું કે આટલી ગરીબીમાં ઘર ચલાવવું મુશ્કેલ છે એટલે પોતાની પત્નીને થોડો સમય
એના ઘરે મુકી આવું અને એટલો સમય નજીકના દેશમાં જઈને વેપાર માટે ગોઠવણ પણ કરી લઉં.
હવે નક્કી થઇ ગયું કે
વહેલી સવારે શેઠને એમની પત્ની બંને પગપાળા ચાલતા જ એમની પત્નીને ઘરે મુકવા જશે.
હવે આ ગરીબ શેઠને એમની પત્ની ચાલતા જતા હતા. રસ્તો થોડો લાંબો હતો એટલે એક જગ્યાએ
વચ્ચે રોકાઈને આરામ કરવાનું નક્કી કર્યું.
થોડુક ચાલ્યા બાદ નજીકમાં જેવોજ પાણીનો કુવો દેખાયો કે આ શેઠ ને એમની પત્ની
બંને પાણીથી તરસ છીપાવવા રોકાયા. કુવાના કિનારે પાણી પીવા માટે રોકાયા એટલે પહેલા
શેઠે કુવામાંથી પાણી કાઢીને પત્નીને આપ્યું. ત્યારબાદ પોતે પણ પાણી પીવા કુવાના
કિનારે બનેલી પાળી પરજ બેસી ગયા. આ બાજુ શેઠાણીને મનમાં બીજુંજ કાંઇક રંધાઈ રહ્યું
હતું. એ વિચારી રહી હતી કે કેવો સમય આવ્યો છે, આ ગરીબીમાં શેઠ શેઠાણીના ઘરે ઓછી
ભેટ લઈને જશે એટલે આજુબાજુના પાડોશીઓ અને ઘરના સબંધીઓ વાતો કરશે અને કદાચ તો ટોંણા
પણ મારશે. એવું પણ બની શકે કે શેઠને ધંધો રોજગાર સંભાળતા વાર પણ લાગે અને એ મહિનાઓ
કે વર્ષો પછી એમને એટલે કે શેઠાણીને એમના પિતાને ત્યાંથી તેડીને લઇ જાય. અરે અરે
બાપા આતો ખરું થયું. આમ વિચારીને શેઠાણીને મનમાં દુખ થવા લાગ્યું. એક વિચાર તો એવો
આવ્યો કે જો આ શેઠને કુવામાં ધક્કો મારી દીધો હોયતો? આજુબાજુ કોઈજ જોતું નથી, અને
કુવામાંથી લાશ કાઢવા માટે પણ આવી જગ્યાએ કોઈક બહુ સમય પછીં જ આવશે. હજી શેઠાણી તો
જુવાનજ છે અને એમના પિતા થોડા સમય બાદ શેઠાણીના બીજા લગ્ન કોઈક સારા યુવાન જોડે
કરાવી જ દેશે અને જો લગ્ન ન પણ કરાવે તો એ તવંગર કુટુંબ હોવાથી શેઠાણીને કોઈ કશું
વધારે દુખ નહિ પડે. શેઠની બચાવેલી બાકીની મિલકત પણ એમના મૃત્યુ પછી શેઠાણીની જ થઇ
જવાની.
બસ, આટલો જ વિચાર હતો અને
જ્યારે શેઠ બેધ્યાન હતા ત્યારે એમની પત્ની એટલે કે શેઠાણીએ એમને કુવામાં ધક્કો
મારી દીધો. શેઠ કુવામાં પડી ગયા અને શેઠાણી એકલા જ એમના ગામની તરફ ચાલી નીકળ્યા.
શેઠાણીએ એમના પિતાને ઘરે
જઈને કહ્યું કે એમને થોડા સમય માટે પિતાને ત્યાં રહેવું છે અને એ શેઠથી કોઈક બાબતે
રિસાઈને આવી ગયેલા છે. હવે આ બાબત કદાચ સાચી હશે અને પોતાની પત્નીને શેઠ મનાવવા
ચોક્કસ આવશે એમ શેઠાણીના પિતાને લાગ્યું એટલે એમણે અત્યારે શાંત રહેવાનું નક્કી
કર્યું.
આ બાજુ શેઠ કુવામાં પડ્યા
અને સાથે ડોલની સાથેની દોરડું ( રાસ ) પણ ખેચાઈને નીચે આવી પડી. સામાન્ય સંજોગોમાં
તો કદાચ શેઠ પાણીમાં ડૂબીને મારી જતા પણ શેઠને ધક્કો મારીને ગભરાયેલી શેઠાણીએ જ્યારે
શેઠનો પાણીમાં પડવાનો અવાજ આવ્યો ત્યારે ફરીથી અંધારા કુવામાં ડોકું કરવાની પણ
હિમત નાં કરી. થોડા સમય બાદ નસીબ સંજોગે ફફોસીને પાણીમાં લટકતું દોરડું પકડીને આ
શેઠ કુવામાંથી બહાર આવી ગયા. અત્યંત દુખી થઈને એમણે પોતાના જ ગામ પાછા જવાનું
નક્કી કર્યું.
હવે લગભગ ૨ મહિનાનો સમય
થઇ ગયો હતો, શેઠાણીના પિતાને ચિંતા થવા લાગી હતી. બીજી બાજુ નસીબજોગે આ શેઠને કોઈક
રીતે ધંધામાં થયેલા નુકસાનનું વળતર મળી ગયું અને એમની જાહોજ્લાલી પાછી આવી ગઈ હતી.
શેઠાણીના પિતાએ શેઠાણીની જાણ બહાર શેઠને મળવા માટે આમંત્રણ આપ્યું જેથી એમની પુત્રીનો
સંસાર સામાન્ય ચાલી શકે.
હવે શેઠને આમત્રણ મળ્યું
અને થોડોક વિચાર કરીને એ શેઠાણીને ગામ આવી ગયા, અમુક સારી ભેટ આપીને શેઠાણીના બધા
સબંધીઓ અને નજીકના લોકોનો વિશ્વાસ શેઠે જીતી લીધો. અચાનક શેઠને આવેલા જોઇને શેઠાણી
એકદમ રડમસ થઇ ગયા. હવે શેઠ કશું બોલે તો એમને ઘણું સહન કરવાનું આવે એવી બીક એમને
લાગી રહી હતી. આ બાજુ કદાચ પોતાના નસીબ ખરાબ હશે કે કદાચ એમને ભ્રમ થયો હશે એવું
સમજીને પોતાની પત્નીને માફ કરીને સંસાર પાછો જેવો હોય તેવો થઇ જશે એમ શેઠ વિચારીને
પત્નીને પોતાની સાથે પાછા લઇ જઈ રહ્યા હતા.
શેઠાણી પાસે બોલવા માટે કોઈ
શબ્દો હતા નહિ એટલે એ ચુપચાપ શેઠ સાથે એમનાં ઘરે પાછા આવી ગયા. ઘરે આવીને શેઠના પગે લાગીને માફી માંગી
અને શેઠ ઉદાર હૃદયના હોવાથી તથા આ બાબત કોઈને જણાઈ આવી ન હોવાથી બધી બાબતો સંકેલાઈ
ગઈ. હવે આ શેઠ અને શેઠાણી વચ્ચે પ્રેમ ઘેરો થઇ ગયો. બંને પ્રેમથી રહેતા હતા અને
બધું જ સમું સાજુ હતું. થોડા સમયબાદ આ શેઠને બે પુત્રો થયા. શેઠનો પરિવાર સુંદર
અને બધીજ રીતે પરિપૂર્ણ હ્તો. એમના કુટુંબમાં કોઈ દુખ ન હતું અને શેઠ ને શેઠાણી એકબીજાને
જોઇને મલકાતા હતા.
સમય વિતતો હતો અને શેઠના
બંને પુત્રોના લગ્ન થયા. બંન્ને પુત્રોને સરસ પત્નીઓ મળી. પણ કોઈક બાબત જે બંન્ને
પુત્રોની પત્નીઓને સમજ નહોતી પડતી કે આ શેઠ અને શેઠાણી વચ્ચે આટલો બધો પ્રેમ કઈ
રીતે છે. આ પુત્રવધુઓને કોઈક ને કોઈક કારણસર નાનો મોટો ઝગડો કે રિસામણા મનામણા થતા
જ હતા. જયારે પણ આવું નાના ઝગડા જેવું થાય એટલે શેઠના પુત્રો એમને પોતાના માતા
પિતાનો દાખલો આપતા. હવે શેઠના મોટા દીકરાની પત્નીને ઉત્સુકતા જાગી કે કોઈક દિવસતો
એના સાસુ સસરાનો ઝગડો થયો હશે. એણે કોઈ પણ રીતે એ શોધી કાઢવાનું નક્કી કર્યું. ઘણા
પ્રયત્નો પછી પણ જાણવામાં સફળતા ન જ મળી. હવે મોટા દીકરાની પત્નીએ શેઠના મોટા
દીકરાને ફોસલાવીને અને કોઈ પણ રીતે મનાવીને પૂછવાનો પ્રયત્ન કર્યો. આખરે સમ આપ્યા
કે કોઈ પણ રીતે એ પોતાના પિતા જોડે વાત કરીને એ જાણી લાવે કે એવી કોઈક બાબત હતી કે
નહિ?
હવે મોટા દીકરાએ પોતાના
પિતાને એટલે કે શેઠને આ પ્રશ્ન પૂછ્યો કે પિતાજી બધા એમ જ કહે છે કે આ સાહેબ હમેશા
સુખી કેમ છે? શું તમારે કોઈ દિવસ માતા સાથે કોઈ ઝગડો થયો નથી, તમે આટલા બધા સુખી
છો કે હજી તમને જીવનમાં કોઈક દુખ છે?
હવે આ સમયે ઘરે કોઈ હતું
નહિ, એટલે બહુ સંકોચાઈને પુત્રને પોતાના સોગંધ આપીને એમનું દુખ પૂછ્યું હોવાથી
શેઠે પોતાના જીવનમાં થયેલી કુવામાં પડ્યાની ઘટના એમના મોટા પુત્રને કહી દિધી.
થોડા સમયમાં પોતાના સોથી
ભરોસા લાયક પુત્રને આ વાત કહી દીધા બાદ આ વાત મોટા પુત્રને હજમ થઇ નહિ. મોટો પુત્ર
દુખી રહેવા લાગ્યો, કાંઇક થયું હોય એવું મોટાપુત્રના પત્નીને લાગ્યું. જ્યારે બહુ
વખત પૂછ્યા પછી આ ઘટના જેવી હતી તેવી મોટા પુત્રને પોતાના પત્નીને કહી દીધીં.
ધીરેધીરે આ વાત બંને પુત્ર વધુને અને શેઠના નાના પુત્રને પણ ખબર પડી ગઈ.
હવે થોડા દિવસો બાદ કોઈક
કામ દરમિયાન શેઠના પત્ની એટલે કે શેઠાણી પોતાની બંને વહુઓ જોડે કામ કરી રહ્યા હતા
અને કોઈક નાની બાબત એ પોતાની મોટી વહુને શીખવાડવા લાગ્યા.એ કદાચ મોટી વહુને નાં
ગમ્યું અને એણે શેઠાણીને કુવાવાળી ઘટના એને ખબર છે તેમ જણાવી દીધું અને પોતાને
કશું શીખવાડે નહિ તેમ કહી દીધું.
આટલા વર્ષો સુધી આ બાબત બહાર ન આવી અને શેઠ પોતાના મનમાં કડવું
ઝેર લઈને બેઠા છે એમ વિચારીને અને અપમાનિત થઈને શેઠાણીએ આત્મહત્યા કરી લીધી, અચાનકજ
આવી ઘટના બનતા, આખું કુટુંબ દુખી થઇ ગયું અને પોતે કશુક ખોટું કરી નાખ્યું હોય એમ
વિચારીને શેઠને હ્રદય રોગનો હુમલો આવ્યો અને એ ગુજરી ગયા. સમાજમાં આ ઘટના બન્યા
પછી શેઠનો મોટો દીકરો અપમાનિત થયો અને એ પણ દુખી થઈને આત્મહત્યા કરીને મરી ગયો. આ
રીતે એક બાદ એક બધાજ કુટુંબના લોકો મૃત્યુ પામ્યા.
આ ઘટના એ કોઈક સમાચાર
પત્રોમાં પણ આવી ગઈ અને અનેક લોકોને વાંચવા મળેલી.
કોઈ પણ વાર્તાનો આવો કરુણ
અંજામ કેમ આવ્યો એ મોટો પ્રશ્ન છે. વાર્તા પછી નીચે મુજબના પ્રશ્નો ચોક્કસ મગજમાં
આવશે?
૧) આવી કરુણ ઘટના માટે
કોણ જવાબદાર છે ?
૨) શું રૂપિયા અને પૈસાથી
જ વ્યક્તિનું જીવન મુલવવામાં આવે છે?
૩) સંસ્કારોની અગત્યતા
જીવનમાં કેટલી છે ?
૪) કોઈની ખુશી કે એનું તાલંત
પણ એના મરણનું કારણ થઇ શકે છે?
0 comments:
Post a Comment